Skip to main content

નિંદા - અવગુણોની જન્મદાત્રી

લોકોને જીતવા હોય, વિશ્વને મિત્ર બનાવવું હોય તો વિશુધ્ધ નિ:સ્વાર્થ, સાત્ત્વિક પ્રેમ કરતાં શીખો. કોઈના પ્રત્યે થોડો પણ અણગમો સાધનામાં બાધક છે. કોઈની પણ નિંદા ન કરો. સદા ગુણગ્રાહી બનો, નિંદા કરવાથી નુકશાન થાય છે. પાતંજલ યોગ દર્શનમાં સંકલ્પ શક્તિનું સુંદર વર્ણન છે. કોઈ વ્યક્તિ એવો સંકલ્પ કરે કે મારામાં સિંહ-હાથી જેવું બળ આવે તો દૃઢ સંકલ્પ શક્તિને કારણે તે શક્ય પણ બને છે. 'देवो भूत्वा देवं यजेत्' શાસ્ત્રોમાં સાધનાના રહસ્યમાં દર્શાવેલ છે કે - દેવ બનીને દેવની પૂજા કરો અર્થાત્ પૂજા-ધ્યાન દરમ્યાન એવો સંકલ્પ કરો કે હું રામ-કૃષ્ણ-શિવ-જગદંબા છું અને તે રીતે માનસિક રૂપમાં શરીરનો શણગાર તૈયાર કરો તો જે તે દેવ-દેવીની શક્તિ સંકલ્પ બળના આધારે સાધકમાં આવી જાય છે પછી તે બોલે કે ન બોલે પણ તે સ્વરૂપ પ્રાપ્ત કરી લે છે. ટૂંકમાં, જેવું ચિંતન તેવું સ્વરૂપ પ્રાપ્ત થાય છે. બારેય માસ ચોવીસે કલાક મોકો મળ્યો નથી અને જે યાદ આવ્યો તેની નિંદા શરૂ કરીએ તો તે વ્યક્તિના અવગુણો નિંદકના શરીરમાં સૂક્ષ્મ રૂપે પ્રવેશવા લાગે છે. પરિણામ સ્વરૂપ નિંદક અવગુણોની ખાણ બની જાય છે. ઘણા તર્ક કરે છે કે - અમે તો પેલી વ્યક્તિની સાચી વાત જણાવીએ છીએ. તે જેવી છે તે જ જણાવીએ છીએ, તેનો જવાબ એ છે કે - પરદોષ જોવાનો અધિકાર ગુરુ-આચાર્ય-વડીલોને હોય છે. બીજા અર્થમાં એમ કહી શકાય કે જે બીજાને સુધારી શકે તે પરદોષ પ્રત્યે આંગળી ચીંધી શકે છે. આપણે આપણી જાતને કે ઘરનાં સભ્યોને સુધારી શકવાની ક્ષમતા ન ધરાવતા હોઈએ અને ગામ-શહેર કે દેશ સુધારવાની વાતો કરીએ તે કેટલા અંશે વ્યાજબી ??? ટૂંકમાં, અન્યના દોષ જોવાની ગંદી આદતથી બચો.

એક બ્રહ્મચારીને આખા શરીરમાં કોઢ ફૂટી નીકળ્યો. ગુરુદેવ પાસે જઈને વાત કરી. ગુરુદેવે સલાહ આપતા કહ્યું કે, “કોઈ અજાણ્યા ગામમાં તમારી સગી બહેનને સેવા માટે સાથે લઈ જવી. ત્યાંના લોકો પાસે ભાઈ-બહેનના સંબંધનો કયારેય ઉલ્લેખ ન કરવો.’ ગુરુદેવની આજ્ઞા અનુસાર સાધકે કર્યું. થોડા દિવસમાં વાયુવેગે ગંદી વાતો ફેલાઈ ગઈ કે, “પેલો ભેખધારી વ્યભિચારી છે, લંપટ છે...” પ્રથમ તો સાધક ગભરાયો પણ ગુરુદેવની આજ્ઞા હોવાથી તે મૌન રહ્યો. થોડા સમયમાં તેના શરીરના કોઢના ડાઘ ભુંસાઈ ગયા. માત્ર કપાળ પર એક નાનકડું નિશાન રહ્યું. ગુરુદેવ પાસે જઈ ભાવવિભોર થઇ સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી, નાનકડા નિશાનની વાત કરી. અંતર્યામી ગુરુદેવે જણાવ્યું કે, “તે ગામમાં એક કુંભાર ભક્ત રહે છે. નિખાલસતાના પ્રતિક સમા એ ભક્તે તારી ક્યારેય નિંદા ન કરી, તેથી તે નાનો ડાઘ રહી ગયો. ગ્રામ્યવાસીઓએ નિંદાનો વરસાદ વરસાવ્યો તેથી તારો કોઢ અદૃશ્ય થઈ ગયો.

નિંદા સહન કરવાની શક્તિ તો વિરલ મહાપુરુષમાં જ હોય છે. બધામાં હોતી નથી, સદગુરુ સાધકનું કલ્યાણ જ ઇચ્છતા હોય છે. સાધકને જલ્દી લક્ષ્યપ્રાપ્તિ થાય તે માટે નિંદકો ઉભા કરાવી સાધકના કર્મો કપાવતા હોય છે. કબીરજીના જીવનમાં બનેલી ઘટના ખુબ જ રહસ્યમય છે. કાશીના મુગટ સમા કબીરજીની કીર્તિ ચારે તરફ ફેલાઈ રહી છે. કાશી નરેશ જાહેરમાં કબીરજીનું સન્માન કરવા તત્પર બન્યા. આથી વિરોધીઓના પેટમાં તેલ રેડાયું. કબીરજી કાશીના રાજાની નજીક પહોંચી જશે અને આપણે દાળિયા-મમરાની જેમ ઉડી જઈશું, વિરોધીઓએ કાવત્રું ઘડ્યું. પતિત પાવની ગંગાના કિનારે હઠડેઠઠ લોકો કબીરજીનું સન્માન જોવા એકત્ર થયા છે. રાજા તો અતિ આનંદિત થઈ ગંગાના પટમાં કબીરજી તરફ ઝડપભેર આવી રહ્યા છે. સદગુરુનું સ્મરણ કરતા કબીરજી ધીમા પગલે ચાલી રહ્યા છે. માંડ ૧૨-૧૫ ફુટનું અંતર હશે ત્યાં કાશીની પ્રખ્યાત વેશ્યા કબીરજીનો હાથ પકડી બોલી કે, “મેં તમને શું નથી આપ્યું ??? રાત્રે દારૂ પી મારે ત્યાં માંસાહાર કરતા ત્યારે સાથે રાખતા અને સન્માન વખતે ભૂલી ગયા ?” કાશીના રાજાને પણ જબરજસ્ત આંચકો લાગ્યો. પુષ્પવૃષ્ટિ કરવા એકત્ર થયેલા લોકો ગાળોનો વરસાદ વરસાવવા લાગ્યા પણ કબીરજી તો શાંત જ છે. વેશ્યાનો હાથ છોડાવવાનો પણ પ્રયત્ન ન કર્યો તેથી લોકોએ વાત સાચી માની. વેશ્યાને ઘેર લઈ ગયા. રાજાએ પણ કબીરજીના ઘરની આસપાસ જાસૂસ ગોઠવ્યા. કબીરજી અચાનક વિચિત્ર સ્થિતિમાં આવી ગયા. વેશ્યા ત્રણ દિવસ કબીરજીના ઘેર રહી. કબીરજી ગુરુ મંત્રનો સતત જાપ કરે છે. મનોમન ગુરુદેવ સાથે વાત કરે છે. એક તરફ ગુરુદેવનું મૌન બીજી તરફ વેશ્યાનું મૌન. ત્રણ દિવસ બાદ વેશ્યા પોકે-પોકે રડતાં માફી માગે છે કે, “પ્રભુ, મને માફ કરો. તમારા વિરોધીઓએ ધનના ઢગલા કરી મને નીચ કર્મ કરવા પ્રેરી. આપ તદન નિર્દોષ છો. હું પાપી, નીચ, અધમ છું. મને માફ કરો, મને માફ કરો.” કબીરજી વેશ્યાને કહે છે કે, “માં, તારો અહેસાન કેમ ભૂલું ? તારે લીધે પ્રશંસા-પ્રતિષ્ઠા-કીર્તિનાં અભિમાનમાંથી બચ્યો છું. તારો ખુબ જ આભાર. રાજાના જાસૂસો ગુપ્ત વાત રાજાને જણાવે છે. ત્યારે રાજાના પસ્તાવાનો પાર રહેતો નથી. આ તરફ સદગુરુ કબીરજીને જણાવે છે કે, “તમારા માત્ર થોડાંક કર્મો કપાવા બાકી હતાં. મારા પ્રિય શિષ્યને આ જન્મમાં અત્યારે જ મુક્તિ આપવા માટે આ પ્રક્રિયા જરૂરી હતી. લોકોએ ઠેર-ઠેર ખુબ જ નિંદા કરી કર્મો ધોઈ નાખ્યાં છે. હવે તમે તદ્દન નિર્મળ થઈ ગયા છો. ભજન સાધનાની સાથોસાથ થોડી નિંદા-ટીકા થાય તો જલ્દી લક્ષ્ય પ્રાપ્તિ થાય છે. “કબીરજી મનોમન સદગુરુને વંદન કરે છે અને સહજ સમાધિની મસ્તી લુંટતા ગાવા લાગ્યા કે :

साधो सहज समाधि भली।
सो सद्गुरु मोहे भावे जो सहज समाधि लगावे ॥

ભોળાદેવ શંકર ભગવાને વિષપાન કર્યું તેનો અર્થ એ છે કે - જગતમાં વિષરૂપ બની રહેલા માન-અપમાન, નિંદા-પ્રશંસા, અનુકૂળતા-પ્રતિકૂળતા વગેરેને પી જનાર જ “નીલકંઠ” કહેવાય છે. નિંદક ધોબીનું કામ કરે છે. નિંદક સાધકના દોષ પ્રત્યે ધ્યાન દોરે છે, મદદરૂપ થાય છે. નિંદકની પ્રશંસા કરતા કબીરજી જણાવે છે કે

निंदक नियरे राखिये, आंगन कुटी छवाया ।
बिन पानी साबुन बिना, निरमल करै सुभाया ॥

પરંતુ નિંદક મળવો કંઈ સરળ નથી. કબીરજીની ફરિયાદ છે કે

कबीरा निंदक न मिलो, पापी मिले हजार ।
एक निंदक के माथे पर, लाख पापिन को भार ॥


~પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ,
ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



"જીવન મુકત મહાપુરુષ તો નિંદા-પ્રશંસાથી પર હોય છે. તેઓ સૌનું કલ્યાણ જ ઈચ્છે છે પણ કુદરતી રીતે જ તેમના પુણ્ય તેમના પ્રશંસકોમાં અને પાપ તેમના નિંદકોમાં દાખલ થઈ જતા હોય છે."

"મારી થાળીમાં જે કંઈ પીરસો તે મારે ખાવું તે જરૂરી નથી. હું વખાણનું ભોજન કરતો નથી."

"લોકો તો મારા વિશે મન ફાવે તેમ બોલે છે પણ હું તો સદા મસ્ત છું અને સૌનું કલ્યાણ જ ઈચ્છું છું."

~(પ.પૂ. મહર્ષિ પુનિતાચારીજી મહારાજ)




Critic Cynic Nindak MahaMantra Dattatrey Punitachariji Maiyashree ShailajaDevi Dharma Sampraday Spontaneous Meditation